ભગવાન શ્રી કૃષ્ણના 5253માં જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા. ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવ અને આનંદ-ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે  મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

મધ્યરાત્રિના 12 વાગ્યાના સમયે મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા લેવામાં આવ્યહતા. શંખનાદ અને ઘંટારવ વચ્ચે મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ બાળ ગોપાલને સુંદર રીતે શણગારેલા પારણામાં બિરાજમાન કરી ભક્તો દ્વારા પારણું ઝુલાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંદિર પરિસરોમાં ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી’ સહિતના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જન્મોત્સવના ભાગરૂપે અનેક સ્થળોએ મટકી ફોડ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણને માખણ-મિસરી, પંજીરી અને શીરાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જન્મોત્સવ બાદ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ અને અંકલેશ્વરમાં શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવની શ્રદ્ધા, ભક્તિ અને આનંદના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.