પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચના શ્રી પરશુરામ સંગઠન દ્વારા દેવોના દેવ મહાદેવજીને બિલ્વાર્પણમ કાર્યક્રમ યોજાયો હતો જેનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

દેવોના દેવ મહાકાલ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે, શ્રાવણમાસમાં મહાદેવજીને બિલ્વપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ રહ્યું છે એવું કહેવાયું છે કે પવિત્ર શ્રાવણમાસમાં બિલ્વ ચઢાવવાથી મહાદેવજી પ્રસન્ન થાય છે.અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે.વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે  પવિત્ર શ્રાવણમાસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં દાંડિયા બજાર સ્થિત શ્રી શનિ મંદિર ખાતે દેવોના દેવ મહાદેવજીને બિલ્વાઅર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.શાસ્ત્રી હિતેશભાઈ વ્યાસ મહારાજ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવજીને બિલ્વર્પણ કરવાની પૂજા કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સ્થાપક હરેશ પુરોહિત, હેમલ દવે, ધર્મેશ ભટ્ટ, શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિન્દીયા, પિયુષભાઈ વીણ સહીત હોદેદારો તેમજ સભ્યોએ ઉપસ્થિત રહી ધર્મકાર્યનો લાભ લીધો હતો.