સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં તા. ૦૯ સપ્ટેમ્બરથી તા. ૦૮ ઓક્ટોબર સુધી ૦૯મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવશે.પોષણ સૂચકાંકોમાં સુધારો કરવા માટે દેશભરમાં પોષણ-કેન્દ્રિત સંવેદનશીલતા વધારવા ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ સાથે એક માસ સુધી જન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી.
મુખ્ય થીમ સાથે પોષણ માસ દરમિયાન આંગણવાડીમાં આહારની વિવિધતા અને પર્યાપ્ત પ્રોટીન, સામુદાયિક માલિકીપણું અને જવાબદારી, બાળપણના વિકાસ માટે પોષણ અને પ્રારંભિક ઉત્તેજન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત માતાના સ્વાસ્થ્ય માટે રોકડ સહાય સહિતના કાર્યક્રમો યોજાશે. વિશેષમાં સ્વાસ્થ્ય મેળા, સ્વસ્થ અને વૈવિધ્યસભર રેસિપીનું પ્રદર્શન, આંગણવાડી ખાતે સાપ્તાહિક મેનુ રોટેશન, ગરમ રાંધેલા ભોજનનું નિદર્શન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત ૧૦૦ ટકા નોંધણી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવશે.આ બેઠકમાં ડીઆરડીઓ, જિલ્લા પુરવઠા અધિકારી અને પ્રોગ્રામ ઓફિસર કાશ્મિરા સાવંત, સહિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
