EXCLUSIVE : “કનેક્ટ ગુજરાતની ઈમ્પૅક્ટ”

માધવપુરા રેલવે ગરનાળા મુદ્દે ગ્રામજનોને મળ્યો ટેકો

ધારદાર રજૂઆતથી રેલવે તંત્ર દોડતું થયું

સ્થળ નિરીક્ષણ કરીને સમસ્યાના નિરાકરણ માટે કર્યા પ્રયાસ

રેલવેની કામગીરી સામે ગ્રામજનોમાં અસંતોષની લાગણી  

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાજપારડી નજીક માધવપુરા રેલવે ગરનાળામાં લાંબા સમયથી ખદબદતી ગંદકી અંગેના કનેક્ટ ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા,ત્યાર બાદ રેલવે તંત્ર સફાળું જાગીને દોડતું થયું હતું,અને સ્થળ નિરીક્ષણ કરીને સમસ્યાનું હંગામી નિરાકરણ લાવવા માટેની તજવીજ હાથધરી હતી,જોકે ગ્રામજનોએ રેલવેની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અધિકારીઓની ઊંઘ ત્યારે જ ઊડે છે જ્યારે જનતાનો આક્રોશ રસ્તા પર આવે છે અને “કનેક્ટ ગુજરાત” તેમના બહેરા કાન સુધી લોકોનો અવાજ પહોંચાડે છે! ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાજપારડી નજીક આવેલા માધવપુરા રેલવે ગરનાળામાં લાંબા સમયથી ખદબદતી ગંદકી અને દુર્ગંધ મારતા પાણીના સામ્રાજ્યને લઈને “કનેક્ટ ગુજરાત”ના ધારદાર રિપોર્ટિંગ બાદ આખરે રેલવે તંત્ર દોડતું તો થયું, પણ કામગીરીના નામે માત્ર ‘રોટલા શેકવાનું’ કામ કરવામાં આવ્યું છે! વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા આ મુખ્ય માર્ગ પર હજારો નાગરિકો રોજબરોજ નરકાગાર જેવી સ્થિતિમાંથી પસાર થવા મજબૂર છે. તંત્રએ માત્ર દેખાડો કરવા માટે પાણી બહાર કાઢવાના પમ્પ મૂકીને હાથ ઊંચા કરી લીધા, પરંતુ સમસ્યાના મૂળ સુધી પહોંચવાની દાનત દાખવી નથી.

રેલવે અધિકારીઓ સ્થળ નિરીક્ષણ માટે તો પહોંચ્યા, પરંતુ જ્યારે મીડિયાએ સવાલો પૂછ્યા ત્યારે કશું પણ બોલવાનું ટાળીને મૌન ધારણ કરી લીધું! અધિકારીઓનું આ મૌન જ તેમની લાપરવાહી અને નકામા આયોજનની છાપ છતી કરે છે. હંગામી પમ્પિંગના નાટકોથી કંટાળેલા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં હવે આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે તંત્ર હવે કાયમી ડ્રેનેજ સિસ્ટમ અથવા વૈકલ્પિક રસ્તાની નક્કર વ્યવસ્થા કરે, નહિતર આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.અને વધુમાં જૂનો રસ્તો ચાલુ કરી આપવા માટે રેલવે તંત્ર સમક્ષ માંગ કરી છે.