ભરૂચના વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલ મોરડીયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

ભરૂચની સાયખા GIDCમાં આવેલી મોરડિયા ફાર્મા કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે સોલ્વન્ટ ભરેલા ડ્રમ ધડાકાભેર ફાટ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગના કારણે નીકળેલા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આગની જાણ થતાં ફાયર વિભાગની ચાર ફાયર ફાયટર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.સદનસીબે, આગ લાગતા કંપનીમાં કામ કરી રહેલા સાત જેટલા કામદારો સમયસર બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.હાલ આગ કયા કારણોસર લાગી અને કંપનીમાં કેટલું નુકસાન થયું છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.