મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના નલખેડામાં આવેલા પ્રસિદ્ધ માઁ બગલામુખી મંદિર પાસે એક મોટી દુર્ઘટના ઘટી છે. રાત્રે પડેલા ભારે વરસાદના કારણે પાણીમાં તણાઈ જવાથી કારમાં સવાર 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, કેટલાક શ્રદ્ધાળુઓ માઁ બગલામુખીના દર્શન કરવા માટે નલખેડા આવ્યા હતા. રાત્રે વિસ્તારમાં ભારે વરસાદ પડવાને કારણે મંદિર પાસે આવેલા વરસાદી નાળામાં પાણીનો પ્રવાહ અચાનક ખૂબ જ વધી ગયો હતો. આ દરમિયાન શ્રદ્ધાળુઓની કાર પાણીના તેજ પ્રવાહની ઝપેટમાં આવી ગઈ અને નાળામાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ હતી.
આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર તમામ 8 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં 3 બાળકો, 2 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. ઘટનાની સૂચના મળતાની સાથે જ વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. નાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં, ટીમ દ્વારા કાર અને તેમાં સવાર લોકોને શોધવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
