સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર રખડતા પશુને બચાવવા જતાં ટ્રક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં પ્લાસ્ટિકના દાણા ભરેલા થેલા નીચે એક ગાય દબાઈ જતાં તેને બચાવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર રખડતા પશુને બચાવવા જતાં પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. આ ટ્રક કલોલથી પ્રાંતિજના વૃંદાવન તરફ જઈ રહી હતી. તે દરમિયાન હાઈવે પર અડિંગો જમાવી બેઠેલા પશુઓને બચાવવાના પ્રયાસમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રક પલટી મારી ગઈ હતી.
ટ્રક પલટી જતા પ્લાસ્ટિકના દાણા હાઈવે પર વેરાઈ ગયા હતા. આ દરમિયાન પ્લાસ્ટિકના દાણા ભરેલા થેલા નીચે એક ગાય દબાઈ જતાં તેને બચાવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. અકસ્મતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાઈવે પર રખડતા પશુઓના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાથી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
