સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી આ રાષ્ટ્રીય ઉજવણીને યાદગાર બનાવવા માટે વિવિધ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ઉજવણીને લઈને રાજપીપળામાં ૮ હજારથી વધુ કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિની તડામાર તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ કલાકારો ‘વંદે માતરમ્’ની થીમ પર આધારિત વિશેષ સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, રાષ્ટ્રીય ગૌરવ અને ‘વિવિધતામાં એકતા’ના ભાવને જીવંત કરશે.

રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ- સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની સઘન પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. કલાકારોના તાલમેલ, સામૂહિક પ્રસ્તુતિ અને કાર્યક્રમની ભવ્યતા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ૩ હજારથી વધુ કલાકારો સહિત દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા ૮ હજાર કલાકારો સહભાગી બનશે. ગુજરાતમાં વસતા દેશના અન્ય રાજ્યોના કલાકારો પણ આ સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં જોડાઈને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ વ્યાપક બનાવશે.

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમમાં લગભગ સાત ગણા વધુ કલાકારો સહભાગી થવા જઈ રહ્યા છે. ગુજરાત સરકાર, ભારત સરકારની સંગીત નાટક અકાદમી અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કલાકારો એક મંચ પર આવીને રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને સાંસ્કૃતિક અભિવ્યક્તિ આપશે. વધુમાં જણાવ્યું હતું કે, કલાકારોમાં જોવા મળતો ઉત્સાહ અને જોશ આ વર્ષની ઉજવણીની વિશેષતા છે. ‘વંદે માતરમ્’ની થીમ પર આધારિત આ પ્રસ્તુતિમાં ભારતની વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને કલાઓના સમન્વય સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ રજૂ કરવામાં આવશે.

અંદાજે ૧૨ મિનિટની આ સામૂહિક પ્રસ્તુતિ રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહેશે. આ ઐતિહાસિક અવસરને અવિસ્મરણીય બનાવવા માટે તમામ સ્તરે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દેશના વિવિધ પ્રાંતના કલાકારોની એકસાથે થનારી આ સાંસ્કૃતિક પ્રસ્તુતિ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરશે.