અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં ચોરી

બંધ મકાનને નિશાન બનાવી રૂ.5.95 લાખની ચોરી

બુટમાં ચાવી સંતાડી  હતી

ચોરી કરવા આવેલ ઇસમ સીસીટીવીમાં કેદ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં માનવ મંદિર પાસે આવેલી અંજની હાઇટ્સ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 5,95,950ની મત્તાની ચોરી કરતાં ચકચાર મચી ગઈ છે.

અંકલેશ્વર જીઆઈડીસીમાં અંજની હાઇટ્સમાં રહેતા અને રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા વ્રજલાલ શંભુભાઈ મેતલિયા ગત તા. 16 ઓક્ટોબરના રોજ પત્ની અને પુત્રી સાથે પુત્રીના સગપણના કામ અર્થે અમરેલી ગયા હતા. ઘરેથી નીકળતી વખતે તેમણે મકાનની ચાવી મુખ્ય દરવાજા પાસે બુટ-ચપ્પલ મૂકવાના કબાટમાં પુત્રીના સફેદ રંગના બુટમાં મૂકી હતી.દરમિયાન પરિવારજનો દ્વારા સંબંધીઓ મારફતે ઘરમાંથી સાડી લઈ જવા તેમજ ઘરની સાફ-સફાઈ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, ઘરની બહાર અન્ય ચાવી પણ મૂકેલી હોવાની જાણ સંબંધીઓને કરવામાં આવી નહોતી. દરમિયાન તા. 28 ઓક્ટોબરના રોજ બપોરે એક અજાણ્યો ઇસમ સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયો હતો.

આ ઇસમે બુટ-ચપ્પલ મૂકવાના કબાટમાંથી ઘરની ચાવી મેળવી મુખ્ય દરવાજાનું લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ પુત્રીના બેડરૂમમાં આવેલા કબાટના ડ્રોઅરને કોઈ સાધન વડે તોડી તેમાં રાખેલા 24 કેરેટ સોનાની લગડીના 30 ગ્રામના ટુકડા, કિંમત રૂ. 4,32,000, 10 ગ્રામનો એક સોનાનો સિક્કો, કિંમત રૂ. 1,43,950 અને રોકડા રૂ. 20,000 મળી કુલ રૂ. 5,95,950ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

આ બનાવની જાણ મકાનમાલિકને પડોશીએ ફોન કરીને તેમના ઘરનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરતાં થઈ હતી. આ અંગે વ્રજલાલભાઈ  અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકે પહોંચ્યા હતા અને ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સોસાયટીના CCTV ફૂટેજના આધારે અજાણ્યા ઇસમની ઓળખ સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.