ભરૂચની સિવિલ હોસ્પિટલના મુખ્ય માર્ગ પર અચાનક ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવતા ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. આ ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતાં દર્દીઓની અવરજવરને લઈને ચિંતા ઊભી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સિવિલ રોડ પર બ્લોક નાખી સુશોભન સાથેની કામગીરી કરવામાં આવી હતી. જોકે, આ કામગીરી પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ ફરી વખત બ્લોકનો એક ભાગ તોડીને સિવિલ હોસ્પિટલની ગટરલાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
એક તરફ રોડનું નવીનીકરણ અને સુશોભનની કામગીરી કરવામાં આવે છે, તો બીજી તરફ ગણતરીના કલાકોમાં જ એ જ માર્ગ પર ફરી ખોદકામ કરવામાં આવતા કામગીરીના આયોજન સામે સવાલો ઊભા થયા છે.હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળના મુખ્ય માર્ગ પર ખોદકામ કરતી વખતે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા અને એમ્બ્યુલન્સ માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી હતી કે કેમ, તે પણ તપાસનો વિષય બન્યો છે.
