અંકલેશ્વરમાં એન્ટી નાર્કોટિક્સ વિંગના દરોડા
ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
2 આરોપીઓની ધરપકડ
રૂ.2.15 લાખનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર જીઆઈડીસીમાં ચાલતા ગાંજાના વેપલા પર એન્ટી નાર્કોટિક્સ વિંગે દરોડા પાડી ગાંજો અને બાઈક મળી રૂ.2.15 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે.
અંકલેશ્વર GIDC વિસ્તારમાં નશાના કારોબાર સામે ભરૂચ જિલ્લા પોલીસની એન્ટી નાર્કોટિક્સ વિંગે કાર્યવાહી કરી છે. રચના નગરમાં ફાટક પાસે આવેલા પાનના ગલ્લા નજીકથી પોલીસે 1.880 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ કાર્યવાહી દરમિયાન રૂ.2.15 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે અંકલેશ્વર GIDC વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રાજુ ગણેશ ગામીત અને સચિન પન્નાલાલ ગુપ્તા નામના શખ્સો ગાંજાનો જથ્થો આર્થિક લાભ મેળવવાના ઇરાદે વેચાણ કરવા માટે રાખતા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ભડકોદરા ખાતે રહેતા અન્ય એક વ્યક્તિનું નામ પણ તપાસમાં ખુલ્યું છે.
પોલીસે સ્થળ પરથી રૂ.94 હજારની કિંમતનો 1.880 કિલોગ્રામ ગાંજો, રૂ.1 લાખની રોયલ એનફિલ્ડ બુલેટ, બે મોબાઇલ ફોન, ડિજિટલ વજનકાંટો અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.2.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે અંકલેશ્વર GIDC પોલીસ મથકે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં ગાંજાના જથ્થાની હેરાફેરી અને વેચાણના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેમજ આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
