વલસાડ જીલ્લામાં વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય હતી. જેમાં નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે કાશ્મીરા શાહ બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે પાલિકાના ઉપપ્રમુખ તરીકે અભય શાહ અને પાલિકાના કારોબારી ચેરમેન તરીકે મિતેશ દેસાઈ બિનહરીફ ચૂંટાયા હતા. વાપી નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં પાલિકાની કુલ 44 બેઠકોમાંથી 37 બેઠકો પર વિજય મેળવી અને ભાજપ પ્રચંડ બહુમતિ સાથે ફરી સત્તા પર મેળવી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 7 બેઠકો પર જ સીમિત રહી હતી. જોકે, આજે પાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારીની વરણી માટે વાપી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા મળી હતી.
આ સભામાં વાપી નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપના તમામ ચૂંટાયેલા સભ્યો અને વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ સભામાં ભાજપના મોવડી મંડળ દ્વારા અપાયેલા મેંડેટ પ્રમાણે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને બિનહરીફ ચૂંટ્યા હતા. અત્રે મહત્વપૂર્ણ છે કે, આ વખતે વાપી નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ દ્વારા મોટાભાગના નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આથી વાપી નગરપાલિકાની આ વખતની ટીમમાં મોટાભાગે તમામ નવા સભ્યો જ છે. પ્રમુખ તરીકે ચૂંટાયેલા કાશ્મીરા શાહ પણ સૌ પ્રથમ વખત કોર્પોરેટરની ચૂંટણી લડ્યા હતા. પાર્ટીએ તેના પર વિશ્વાસ મૂકીને વાપી નગરપાલિકાના પ્રમુખની જવાબદારી સોંપી છે, ત્યારે આ નવી ટીમ વાપી નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા કામોને વધુ તેજ ગતિથી આગળ વધારવાની સાથે નગરના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે. સાથે જ લોકોની જરૂરિયાતો અંગે અભ્યાસ કરીને વિકાસના નવા કામોનું પ્લાનિંગ કરવા અંગે પણ ખાતરી આપી હતી.
