વલસાડ જિલ્લાના આછવણી ખાતે પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિરનો ૩૮મો નિર્માણ દિન ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્‍યમાં ખૂબ જ ભક્‍તિભાવથી ઉજવવામાં આવ્‍યો હતો. આ અવસરે ૧પ૧ જેટલી વિધવા બહેનોને ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ઉજવણીના ઉપલક્ષમાં મહોત્‍સવની પૂર્વ સંધ્‍યાએ ધજારોહણ કરી ભગવાન શિવને પાટોત્‍સવમાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું હતું.

આ શુભ અવસરે પ્રગટેશ્વરધામના આચાર્ય અનિલભાઇ જોષી તેમજ જયેશભાઇ જાનીના હસ્‍તે પંચકુંડી મહારુદ્ર યજ્ઞ, રાજોપચાર અભિષેક, મહાઆરતી કરવામાં આવી હતી. પ૬ ભોગનો અન્નકૂટ મહાદેવને ધરાવવામાં આવ્‍યો હતો. આ પાવન પ્રસંગે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્‍યું હતું કે, જ્‍યાં ભાવ હોય ત્‍યાં ભગવાન અવશ્‍ય હાજર રહે છે. માતા-પિતા અને પ્રગટેશ્વરદાદાના પુણ્‍યપ્રતાપે આપના ભાગ્‍યમાં લખાયું હશે તેઓ જ આ ઉત્‍સવમાં ભાગ લઇ શકયા છે. અહીં દરેક ઉત્‍સવ ધામધૂમથી ઉજવાય છે, પરંતુ આજે મહાદેવનો ઉત્‍સવ છે. જેના કારણે શિવભક્‍તો ખૂબ જ આનંદિત છે. પ્રગટેશ્વર દાદાનો પાટોત્‍સવની ઉજવણી સાચા અર્થમાં ત્‍યારે જ સાર્થક થાય જ્‍યારે અનેક જીવોને મદદરૂપ થઇ શકાય, જે ધ્‍યાને રાખી આજે ૧પ૧ જેટલી વિધવા બહેનોને ગરમ સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું છે.

પિતૃઓના કલ્‍યાણ માટે શિવજીને અભિષેક કરવો જોઇએ. જે મા-બાપની સેવા કરે છે, તેનું હંમેશા કલ્‍યાણ થાય છે. જેની સાથે-સાથે ભગવાનની સેવા પણ કરવી જોઇએ. વાણી અને વર્તનમાં મર્યાદા રાખવી અને જનસેવા કરવી, જીવનું કલ્‍યાણ કરવું એજ પ્રભુ સેવા છે અને ભગવાનની ભક્‍તિ કરવી એ સાધના છે. આજે પાટોત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે તે માત્ર પ્રગટેશ્વર મહાદેવની છે, તમારા અને મારા ઋણ સંબંધોને લીધે અહીં આવો છે અને તમે આવો એનાથી તમારું કલ્‍યાણ અવશ્‍ય થાય છે. મહાશિવરાત્રીનો પર્વ, પાટોત્‍સવ અને ગુરુપૂર્ણિમાના પર્વ અવશ્‍ય ભાગ લેવો જોઈએ. શિવ નિરાકાર છે, જેથી આપણે મહાદેવની પૂજા કરીએ છીએ, જે કૈલાસમાં રહે છે. શંકર ભગવાન પૃથ્‍વી ઉપર અને ભોળાનાથ સ્‍મશાનમાં રહે છે. જેમની આરાધના અને પૂજા અલૌકિક છે, અને આપણે પ્રગટેશ્વર ધામમાં જે પૂજા કરીએ છે તેમાં આ બધાની પૂજા આવી જાય છે. ભગવાન ઉપર દ્રવ્‍ય ચઢાવવાની સામગ્રી અલગ અલગ હોય છે. જેથી તેની પદ્ધતિસર પૂજાનું મૂલ્‍ય સમજવું જરૂરી છે. ઘરમાં જેમ મુખ્‍ય વ્‍યક્‍તિ સમાધાન કરે છે એ પદ્ધતિથી અહીં સત્‍કર્મ કરી ભક્‍તોની સમસ્‍યાનું સમાધાન કરવામાં આવે છે.