સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં રૂપિયા 30 લાખથી વધુ કિંમતની સોલાર લાઇટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આદિત્ય બિરલા કોમ્યુનિટી ઇનિસીએટીવ અને ગ્રામીણ વિકાસ કેન્દ્રનાં સૌજન્યથી કાર્યક્રમ યોજાયો હતો.
ભારત સરકારનાં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઈમેટ ચેન્જના નોટિફિકેશન મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ વિશે વાત કરતા કેબિનેટ મંત્રીએ પર્યાવરણની રક્ષા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, એક જ વાર વપરાશ કરી શકાય તેવી પ્લાસ્ટિકની બનાવટોનો ઉપયોગ સદંતર બંધ કરવા લોકોને અપીલ કરી હતી. કોરોના મહામારી દરમિયાન વિનામૂલ્યે અનાજ વિતરણ વિશે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતનો કોઈ નાગરિક ભૂખ્યો ન સુવે તે પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી. રાજ્યમાં જળ વ્યવસ્થાપન અને દરેક ઘરે નળથી પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની પ્રતિબધ્ધતા વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ “નલ સે જલ યોજના” અંતર્ગત રાજ્યના 96.50 ટકા ઘરોને નળથી જોડાણ આપીને દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર છે. દેશના પ્રત્યેક ઘરમાં નળથી શુધ્ધ પીવાનું જળ પહોંચે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે.
ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો મહત્તમ લાભ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય નહેરોમાં પાણી છોડવાનો નિર્ણય લેવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ અંતર્ગત ચુડામાં આશરે રૂપિયા 30 લાખનાં ખર્ચે 2 સોલાર હાઈ માસ્ટ, 22 સોલાર એલઈડી સ્ટ્રીટ લાઈટ, 600 એલઈડી લાઈટ પૂરી પાડવામાં આવી છે. આ તકે આદિત્ય બિરલા ગ્રુપના હેમરાજ પટેલ અને વાસ્મોના હર્ષદ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. કાર્યક્રમના અંતે આદિત્ય બિરલા ગ્રુપના હેમરાજ પટેલે પર્યાવરણ અને પ્લાસ્ટીકનો ઉપયોગ બંધના શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિ ચેરમેન જશુભા સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય કનકસિંહ તેમજ અગ્રણીઓ જયદીપસિંહ ઝાલા, પ્રતાપભાઈ, માનસંગભાઈ, અલ્પેશભાઈ, પ્રવીણભાઈ, ધીરુભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
