ભરૂચના આમોદ ખાતે આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં પ્રદર્શન યોજાયું હતું

ભરૂચના આમોદ ખાતે આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનની શરૂઆત આમોદ શહેરમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કથિત લઠ્ઠાકાંડ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.આ વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ હતી. વિધવા બહેનોએ કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઈને સરકાર સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં દારૂ ખુલ્લેઆમ મળતો હોવાના બનાવો સામે આવી રહ્યા છે. દારૂબંધીના કાયદાનો અસરકારક અમલ કરાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે પીઆઈ આર.બી. કરમડિયાના પગે પડી દંડવત કરી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશન ખાતે હાજર લોકોમાં પણ આ દૃશ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ,પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા,કોંગ્રેસ આગેવાન મહેબુબ કાકુજી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.