સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી 11 દોષિતોને મુક્ત કરવા મામલે દોષિતોને પણ પક્ષકાર બનાવવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટનો સવાલ છે કે, કયા નિયમના આધારે દોષિતોને મુક્ત કરાયા. ઉલ્લેખનિય છે કે, સામૂહિક બળાત્કાર કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા 11 દોષિતોને થોડા સમય પહેલા સજા મુક્ત કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારના આ નિર્ણય બાદ બિલકિસ બાનો ગુજરાત સરકારના આ નિર્ણયને પાછો લેવા અને ડર્યા વગર અને શાંતિથી જીવન જીવવાનો તેમનો અધિકાર પાછો આપવાની અપીલ કરી હતી. ગુજરાત સરકારે સજા ભોગવી રહેલા 11 આરોપીને જેલમુક્ત કરતા સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર સુભાષીની અલી સહિત 4 લોકો ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની માંગ કરી હતી. આની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સવાલ એ છે કે શું ગુજરાતના નિયમો હેઠળ આ દોષિતો મુક્તિ મેળવવા માટે હકદાર છે કે નહી ? અમારે જોવું પડશે કે, જેલમુક્તિ નિર્ણય સમયે આ બાબતો ધ્યાનમાં લેવામાં આવી હતી કે, નહીં તેમ જણાવ્યું હતું. ગોધરામાં 2002ના રમખાણો બાદ બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. તેના પરિવારના 7 લોકોની પણ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 2008માં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આમાંથી એક દોષિત મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે મુક્તિનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડી દીધો હતો.