ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ત્રણ કેસ સામે આવ્યા હતા. જોકે, સમયસર સારવાર અને લેબ તપાસ બાદ ત્રણેય બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા, ભરૂચ શહેર અને વાલિયા વિસ્તારના ત્રણ બાળકોને સતત તાવ, ઝાડા-ઊલટી અને ખેંચની તકલીફ થતાં તેમને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ તરીકે KMCRI સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ડૉક્ટરોએ બાળકોના લોહીના નમૂનાઓ ચાંદીપુરા વાયરસની તપાસ માટે લેબમાં મોકલવાની સાથે જ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન જરૂરી દવાઓ, ઓક્સિજન સપોર્ટ અને અન્ય તમામ જરૂરી મેડિકલ કેર આપવામાં આવતા બાળકોની તબિયતમાં સતત સુધારો નોંધાયો હતો.લેબમાંથી આવેલા ત્રણેય બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેના પગલે ડૉક્ટરો અને આરોગ્ય વિભાગે રાહત અનુભવી હતી.હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર, સમયસર નિદાન, યોગ્ય સારવાર અને સતત મોનિટરિંગને કારણે ત્રણેય બાળકો ઝડપથી સ્વસ્થ થયા હતા. ત્યારબાદ ત્રણેય બાળકોને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.