મુંબઈ ઈન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગમાં જીતની હેટ્રિક લગાવી છે. તેણે સતત ત્રીજી મેચ જીતી છે. મુંબઈની ટીમ ત્રણ મેચમાંથી ત્રણ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેની પાસે છ અંક છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સને ટુર્નામેન્ટમાં ત્રણ મેચમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ત્રણ મેચમાંથી બે જીત સાથે બીજા સ્થાને છે. તેના ચાર અંક છે.
દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની ટીમ 18 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈએ 15 ઓવરમાં બે વિકેટે 109 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ માટે આ મેચમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાયકા ઈશાક, ઈસી વોંગ અને હીલી મેથ્યુઝે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જે બાદ યાસ્તિકા ભાટિયાએ બેટિંગમાં સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. હિલી મેથ્યુઝે 32 રનનું યોગદાન આપ્યું હતું. નતાલી સીવર 23 અને સુકાની હરમનપ્રીત કૌરે 11 રન બનાવીને અણનમ રહી હતી.
આ પહેલા દિલ્હી તરફથી કેપ્ટન મેગ લેનિંગે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. જેમિમા રોડ્રિગ્ઝે 25 અને રાધા યાદવે 10 રનનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. મુંબઈનો આગામી મુકાબલો 12 માર્ચે યુપી વોરિયર્સ સાથે થશે. દિલ્હી કેપિટલ્સ ટીમ 11 માર્ચે ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે.