ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેલોદ ગામ નજીક આજે એક ટેન્કરમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એકાએક ભભૂકી ઉઠેલી આગના કારણે રસ્તા પર વાહનચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.

ભરૂચ જિલ્લાના આમોદ ભરૂચ રોડ પરથી પસાર થઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર ટેન્કર આગની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

સદનસીબે આગની ઘટનામાં ટેન્કરના ડ્રાઇવર અને ક્લીનર સમયસર બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે આગ એટલી ભયાનક હતી કે ટેન્કર સંપૂર્ણપણે બળી ને ખાખ થઈ ગયું હતું.

ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના ચોક્કસ કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાને પગલે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.