કેરળના તિરુવનંતપુરમમાં પારાસાલા રેલવે સ્ટેશન નજીક થયેલા ભૂસ્ખલનને કારણે બિલાસપુર-તિરુનેલવેલી એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું, જેનાથી અનેક ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. 6 પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી.
દક્ષિણ કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં પારાસાલા રેલવે સ્ટેશન નજીક ભૂસ્ખલન થતાં રેલવે વ્યવહાર પર અસર પડી છે. આ ઘટનાને કારણે બિલાસપુર-તિરુનેલવેલી એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. સાવચેતીના પગલા રૂપે રેલવે તંત્રએ આ વિસ્તારમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દીધી છે. 6 પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે અસરગ્રસ્ત એક્સપ્રેસ ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી હતી.
આ ઘટના વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે લગભગ રાત્રે 2:19 વાગ્યે બની હતી. ભૂસ્ખલનને કારણે ટ્રેન નંબર 22619ને પારાસાલા સ્ટેશન પર રોકવી પડી હતી, ત્યારબાદ તેનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. સધર્ન રેલવેએ એક નિવેદન જારી કરીને પુષ્ટિ કરી છે કે, ટ્રેનમાં સવાર તમામ મુસાફરો અને કર્મચારીઓ સુરક્ષિત છે. મદદ માટે એક બીજું એન્જિન (લોકોમોટિવ) મોકલવામાં આવ્યું હતું, અને રેલ સેવાઓ પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ તિરુવનંતપુરમ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે, અને ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું હતું. હવામાન વિભાગે 22 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધીના સમયગાળા માટે ‘યલો એલર્ટ’ પણ જારી કર્યું છે. આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.
