સોનિયા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર પદાર્પણ કર્યું છે અને તેમણે પોતાના પુસ્તક ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’ (Belonging: A Journey of Love) ની પ્રથમ ઝલક શેર કરી છે. આ પુસ્તક 10 નવેમ્બરના રોજ પ્રકાશિત થવાનું છે.

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર પ્રવેશ કર્યો. તેમણે પોતાના આગામી પુસ્તક ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’ની પ્રથમ ઝલક રજૂ કરી, જે 10 નવેમ્બરના રોજ પ્રકાશિત થનારું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પોતાની પ્રથમ પોસ્ટમાં, ૭૯ વર્ષીય કોંગ્રેસ નેતાએ વાચકો સમક્ષ પુસ્તકનો પરિચય કરાવતા આભાર વ્યક્ત કર્યો.

કેપ્શનમાં તેમણે લખ્યું, “નમસ્તે સૌને, આ ક્ષણ તમારી સાથે વહેંચતા મને ખૂબ આનંદ થાય છે. આ છે ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’ની પ્રથમ ઝલક.” પોસ્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, “આ પ્રેમ, કર્તવ્ય, વિયોગ અને ‘પોતાનાપણા’ની ભાવના શોધવાની એક વાર્તા છે.

હું તમારી સાથે આ વાર્તા વહેંચવા માટે ઉત્સુક છું.” આ સંસ્મરણોમાં કોંગ્રેસ નેતાની જીવનયાત્રાનું વર્ણન છે, યુદ્ધ પછીના ઇટાલીમાં વિતાવેલા તેમના બાળપણથી લઈને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથેના તેમના સંબંધો સુધી. તેમાં તેમના જીવનને ઘડનારા અંગત નુકસાન અને ભારત સાથેના તેમના જોડાણ વિશે પણ વાત કરવામાં આવી છે. આ પુસ્તકમાં તેમના બાળપણ, રાજીવ ગાંધી સાથેનું જીવન અને પરિવારમાં બનેલી વિવિધ દુઃખદ ઘટનાઓનો સમાવેશ થાય છે.

પુસ્તકમાં ઇટાલીમાં સોનિયાના શરૂઆતના વર્ષો, કેમ્બ્રિજમાં અભ્યાસ દરમિયાન રાજીવ ગાંધી સાથેની તેમની પ્રેમકહાની, અને તેમના સાસુ (ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી) તથા તેમના પતિની હત્યા જેવી ઘટનાઓનું વિગતવાર વર્ણન છે. ઇટાલીમાં જન્મેલા સોનિયા ગાંધી 19 વર્ષના હતા ત્યારે 1965માં ઇંગ્લેન્ડના કેમ્બ્રિજમાં તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઈ હતી.

આ દંપતીએ 25 ફેબ્રુઆરી, 1968ના રોજ લગ્ન કર્યા. પાછળથી, સોનિયા ગાંધી કોંગ્રેસ પક્ષના સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ પદે રહેનાર વ્યક્તિ બન્યા. રાહુલ ગાંધીએ આ પુસ્તકને લઈને પહેલેથી જ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમના પિતા રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ પર લખ્યું હતું કે, તેમને ગર્વ છે કે, તેમની માતાની વાર્તા વાચકો સુધી પહોંચશે.