• અલથાણમાં વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • મેટ્રો મોલ પાસે ડમ્પર અને એક્ટિવા વચ્ચે ટક્કર

  • એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત

  • રોજીરોટી કમાવવા નીકળ્યા ને મોત મળ્યું

  • પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી 

સુરત શહેરમાં વહેલી સવારે વધુ એક રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. અલથાણ વિસ્તારમાં આવેલા મેટ્રો મોલ પાસે એક બેકાબૂ ડમ્પરે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય જયેશભાઈ વહેલી સવારે પોતાના રોજગાર માટે ઘરેથી નીકળ્યા હતા. તેઓ જ્યારે અલથાણ મેટ્રો મોલ પાસેથી પસાર થઈ રહ્યા હતાત્યારે કાળ બનીને આવેલા એક ડમ્પર ચાલકે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે જયેશભાઈનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતીજેને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.28 વર્ષીય આશાસ્પદ યુવકના મોતના સમાચાર મળતા જ ગોડાદરા સ્થિત તેમના નિવાસસ્થાને અને સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વહેલી સવારે બનેલી આ ઘટનાએ ફરી એકવાર સુરતના માર્ગો પર દોડતા ભારે વાહનોની ગતિ અને સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. હાલમાં પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.