/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-227.jpg)
અમદાવાદની અમરાઇવાડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સવારે મતદાનની નિરસતા વચ્ચે એક વાળંદના વિચારથી મતદાનની ટકાવારી વધી હતી. તેણે મતદાન કરી આવનારા લોકોને મફતમાં દાઢી બનાવી આપવાની શરૂઆત કરતાં મતદાન કરવા આવતાં લોકોની સંખ્યામાં વધારો થયો હતો.
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સવારે સૌથી ઓછું ૩.૬૦% જેટલું મતદાન થતા વાળંદને એક નવો જ વિચાર આવ્યો હતો. મતદાન કરી આવતા મતદારોને મફતમાં દાઢી કરી આપી હતી. અમદાવાદ શહેરમાં પેટા ચૂંટણી મતદાન સવારથી શરૂ થઈ ગયું હતું, પરંતું મતદાનમાં મતદારોનો ધસારો ઓછો જોવા મળ્યો હતો, ત્યારે એક વાળંદ દ્વારા “વોટીંગ કરો અને ફ્રી સેટિંગ કરો”ની જાહેરાત કરવામાં આવી હતી.
તેમણે મતદારોમાં જાગૃતિ આવે તેમજ મતદાનમાં વધારો થાય તે માટે મતદારો સામે શરત મૂકી હતી કે મતદાર મતદાન કરીને આવે ત્યાર બાદ તેમને મફતમાં દાઢી કરી આપવામાં આવશે. જો કે આ મામલે વાળંદનો પ્રયોગ સફળ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સવારના ૧૦ વાગ્યા બાદ મતદારોમાં ઘસારો જોવા મળ્યો હતો. બપોર બાદ ૧૨.૬૦% જેટલું મતદાન નોંધવામાં આવ્યું હતું. વાળંદની આ અનોખી પહેલને અનેક લોકોએ આવકારી હતી.