/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/26205019/maxresdefault-107-285.jpg)
ગુજરાતીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે તે સી પ્લેન આજે અમદાવાદ પહોંચી ગયું છે. ભારતનું સૌપ્રથમ સી પ્લેન ગુજરાતીઓ સહિત વિશ્વના લોકોને અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લઇ જશે. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ છે. તે દિવસને એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતેથી સી પ્લેનનું ઉદ્ઘાટન કરાવશે. પીએમ મોદી સી પ્લેન દ્વારા અમદાવાદથી કેવડિયા પહોંચશે.
રાજ્યમાં 31 ઓક્ટોબરથી બે સ્થળેથી સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી-પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરી છે. આજે સી-પ્લેન ટેસ્ટિંગ માટે કેવડિયાથી અમદાવાદ આવી પહોંચ્યું છે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન ગોવાથી કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. અહીં આવ્યા બાદ સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવશે.
આજે સી પ્લેન ટેસ્ટિંગ માટે ત્રણ વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યું હતું. આ સી-પ્લેનમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના એમ.ડી. ડો.રાજીવ ગુપ્તા કેવડિયાથી અમદાવાદ આવ્યા હતા. લેન્ડિગ થયા બાદ સી-પ્લેનનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ દરમિયાન સી-પ્લેને ફરી ઉાડાન ભરી હતી, ત્યાર બાદ ફરી લેન્ડ કરવામાં આવ્યું હતું.
સી પ્લેન અમદાવાદ આવ્યું ત્યારથીજ પોલીસે પણ સુરક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેસીપી અમિત વિશ્વકર્મા, સેકટર 1 જેસીપી આર.વી અસારી અને અધિકારીઓએ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદી આવવાના છે ત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોય છે જેથી પોલીસે અત્યારથી જ ચકાસણી શરૂ કરી છે.