રાજ્યમાં અનેક જગ્યાએ બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ થયા પછી પણ હજુ અમદાવાદ સાયબર ક્રાઈમ અનેક કોલ સેન્ટર ઝડપી રહી છે. ત્યારે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા વધુ એક કોલ સેન્ટરનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. પોતાના ઘરમાં એકલા હાથે કોલ સેન્ટર ચલાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલ આરોપી અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા પડાવતા હતો. પોલીસે 19 લાખ રોકડા સહિત બે લેપટોપ અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે આ ગુનાનો અન્ય એક આરોપી ફરાર છે જે માહિતી પુરી પાડતો હતો. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ કાર્તિકેયન ગૌવતમ પિલ્લઈ છે. જે ન્યુ મણીનગર કર્ણાવતી રીવે નામના ફ્લેટમાં રહી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો હતો. કાર્તિકેયન છેલ્લા 9 મહિનાથી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો. જે અંગે સાયબર ક્રાઈમને માહિતી મળતા તપાસ કરવામાં આવી. આરોપી ટેકટના નામની એપ્લિકેશન થકી લેન્ડિંગના નામે લોન આપવાના બહાને છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યુ છે. જેથી પોલીસે 19 લાખ રોકડા સાથે આરોપીની ધરપકડ કરી છે.પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે તે પે ડેના નામે લોન આપવાના બહાને ગિફ્ટ કાર્ડ, ક્યુ આર કોડ અને બિટકોઈન મારફતે નાણાં મેળવી છેતરપિંડી કરતો હતો. આરોપી છેતરપિંડીના રૂપિયા આંગડિયા પેઢી કે પછી ચાઈનાથી હવાલા રૂપે મેળવતો હતો.