ભરૂચમાં હાઈટેન્શન વીજ લાઈનનો ચાલુ વાયર તૂટીને માર્ગ પર પડતાં ચકચાર મચી ગઈ હતી. કરમાડ-વાંસી રોડ પર હાઈટેન્શન લાઈનનો જીવંત વીજ વાયર અચાનક તૂટી પડતા માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.મહત્વનું છે કે, આ વિસ્તારમાં અગાઉ પણ હાઈટેન્શન લાઈનના વાયર તૂટવાની ઘટના સામે આવી ચૂકી છે. વારંવાર ચાલુ વીજ વાયર તૂટવાની ઘટનાઓને પગલે ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાલુ વીજ વાયર માર્ગ પર પડતાં કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે.સ્થાનિકો અને ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ તેમજ કેવીસી કંપનીની કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે. બે વખત વાયર તૂટવાની ઘટના બનવા છતાં કોઈ અધિકારી જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.