અમદાવાદ કલેક્ટર કચેરીના પટાવાળા સહિત 2 શખ્સોએ ભેગા મળીને સર્ટિફિકેટ ફોર આધાર એનરોલમેન્ટ અપડેટ ફોર્મમાં કલેક્ટર કચેરી ડીસી બ્રાન્ચમાંથી એડીશનલ ડિસ્ટ્રીક મેજીસ્ટ્રેટનો રાઉન્ડ શીલ મારી તેની પર જીલ્લા કલેક્ટર સંદીપ સાગલેની ખોટી સહી કરીને ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. બાદમાં બન્ને શખ્સો આ ડોક્યુમેન્ટ સુભાષબ્રિજ ખાતે આધાર કાર્ડ સેન્ટરમાં રજૂ કરતા સમગ્ર કૌભાંડનો પદાફાર્શ થયો હતો. આ અંગે સાબરમતી મામલતદાર રાણીપ પોલીસ સ્ટેશનમાં કલેક્ટર કચેરીના પટાવાળા સહિત 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં રહેતા વસંતકુવરબા પરમાર સાબરમતી મામલતદાર કચેરી ખાતે મામલતદાર તરીકે સુભાષબ્રીજ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવે છે. આ ઉપરાંત તેમની પાસે વધારાનો ચાર્જ ઈન્ચાર્જ મામલતદાર એલીયન રિકવરી, તથા વસ્તી ગણતરી છે. મંગળવારે તેઓ ફરજ પર હાજર હતા, ત્યારે સવારના સમયે આધાર કાર્ડની કામગીરી કરતા ઓપરેટર ઓમીક રમેશ આકોલીયા પાસે અરૂણ સોલંકી નામનો યુવક એક સર્ટિફિકેટ ફોર આધાર એનરોલમેન્ટ અપડેટ ફોર્મ રજુ કરેલ હતુ.
જેમાં જશવંતસિંહ એન. ખાનુજા બાપુનગર ખાતે રહેતા હોવાનું તેમજ તેમના ફોટાની ઉપર એડીશનલ મેજીસ્ટ્રેટનો રાઉન્ડ શીલ લગાવેલ સાથે જ કલેક્ટરની સહી કરેલ હતી. જેથી આ ડોક્યુમેન્ટ પર ખોટી રીતે સહી કરી હોવાની શંકા થતા તપાસ કરવામાં આવી હતી, ત્યારે અરૂણ સોલંકી તથા પ્રેમ દિલીપ ઠાકોર બન્ને ભેગા મળીને સર્ટીફિકેટ ફોર આધાર એનરોલમેન્ટ અપડેટ ફોર્મમાં કલેક્ટર કચેરીની ડીસી બ્રાન્ચમાંથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાઉન્ડ શીલ સિક્કો ડોક્યુમેન્ટમાં મારી તેની પર જિલ્લા કલેક્ર સંદીપ સાગલેની ખોટી સહી કરીને ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હતા.
