ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન
પોલીસે પદયાત્રા અટકાવતા ઘર્ષણના દ્રશ્યો
પોલીસ સ્ટેશન બહાર યોજ્યા ધરણા પ્રદર્શન
ભાજપ સરકાર પર પ્રહાર
લોકશાહી, દેશ બચાવવા ભરૂચ જિલ્લા કોંગ્રેસે પદયાત્રા અને ધરણાના આપેલા કાર્યક્રમને પરવાનવી નહિ આપી પોલીસે કરેલી કાર્યવાહી સામે કોંગ્રેસમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
દેશની લોકશાહી અને યુવાધનને બચાવવા તેમજ રાહુલ ગાંધીના સમર્થનમાં ભરૂચ ખાતે કોંગ્રેસ દ્વારા પાંચબત્તીથી ગાંધી પ્રતિમા સુધી શાંતિપૂર્ણ રેલી અને ધરણાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ માટે અગાઉથી પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ અંતિમ સમયે તે રદ કરાઈ હોવાનો રોષ ઠલવાયો હતો. બીજી તરફ ભાજપના કાર્યક્રમોને પરવાનગી અપાતી હોવાનો આક્ષેપ કરતા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે, જ્યારે યુવા કાર્યકરો સાથે શાંતિપૂર્ણ રીતે રેલી સ્વરૂપે જવાની કોશિશ કરાઈ ત્યારે પોલીસે તેમની સાથે બેહૂદું વર્તન કર્યું હતું.પોલીસ સામે રોષ વ્યક્ત કરતા આક્ષેપ કરાયો હતો કે, પોલીસ અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે અને ભાજપનો ખેસ ઉતારી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. કોંગ્રેસે આશા વ્યક્ત કરી હતી કે, દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને જનતા તેનો બદલો જરૂર લેશે. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ સાથે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવકતા નાઝુ ફડવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. પોલીસે પ્રદર્શન કરી રહેલા કોંગી આગેવાની અટકાયત કરી એ ડિવિઝન લઈ આવતા ત્યાં પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું.વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા
