અમદાવાદ શહેરના અમદાવાદ વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો છે. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા આ અકસ્માત થયો છે. જોકે, તેની સર્વિસ પર કોઇ અસર પડી નથી. તે રાબેતા મુજબ ચાલી રહી છે.આજે સવારે 11:18 વાગ્યાની આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈસ્પીડ મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું છે. ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત 'KAVACH' ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે.
આ ટેકનિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેકનિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે. આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશનલ આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે