આમ તો અમદાવાદ શહેર સ્માર્ટ સિટી અને મેગા સિટીનો દરજ્જો ધરાવે છે. જોકે, શહેર હવે સ્માર્ટ સિટીની ઓળખ ગુમાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, ચોમાસામાં વરસાદ બાદ અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. કોર્પોરેશન દ્વારા ખાડા પુરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ શહેરના અનેક માર્ગો હજી બિસ્માર હાલતમાં જ જોવા મળી રહ્યા છે.
અમદાવાદ શહેરના ગોતા વિસ્તારના અનેક રોડ હાલ બિસ્માર અવસ્થામાં આવી ગયા છે. વરસાદ પહેલાથી આ વિસ્તારમાં ખાડા પડ્યા છે. પરંતુ તંત્ર રોડ પરના ખાડા પુરવા માંગતી ન હોય તેમ લાગી રહ્યું છે. ગોતા અને વાડજને જોડતો આ મુખ્ય માર્ગ છે. જેમાં એટલા મોટા ખાડા પડ્યા છે, અને તેમાં પાણી ભરાયું છે. જેના કારણે વાહનચાલકોને ખાડા નહીં દેખાતા વાહન ખાડામાં પછડાય છે. એટલું જ નહીં, વાહનનું બેલેન્સ જવાથી વાહનચાલક પણ અકસ્માતનો ભોગ બને છે.
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનની પોલ ઉઘાડી પાડવા કનેક્ટ ગુજરાતની ટીમ ગોતા વિસ્તારના વસંતનગર ટાઉનશિપ ખાતે પહોંચી હતી, જ્યાં એસ.જી. હાઇવેથી એસ.પી. રિંગ રોડને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. વરસાદના કારણે આ રોડ પરની કપચી ઉખડીને બહાર આવી ગઈ હોય તેવું જોવા મળ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા અહીના બિસ્માર માર્ગને વહેલી તકે રીપેર કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સ્થાનિકો પણ કહી રહ્યા છે કે, કોર્પોરેટરો માત્ર વોટ માંગવા આવે છે, અને ત્યારબાદ પ્રજાના કામ કરવા કોઈ આવતું નથી. તો, કોર્પોરેશનના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી ઘોર નિંદ્રા માણી રહ્યા તેવો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.