અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસમાં H3N2ના 4 કેસ જોવા મળ્યા છે. જેની સામે 2 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં મેડિકલ ઓફિસર દ્વારા ઘરે ઘરે જઈને રેપિટ ટેસ્ટ શરૂ કરાશે, અને જો કોઈ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણ જણાશે તો આઈસોલેટ કરવામાં આવશે.
રાજ્યમાં ફરી એકવાર કોરોના નામનો રાક્ષસ માથું ઊંચું કરી રહ્યો છે. રાજ્યમાં પણ મોટા પ્રમાણમાં H3N2 વેરિયન્ટ ધરાવતા કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં H3N2 ધરાવતા દર્દી અવસાન થયા હોવાના કેસ પણ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 3 દિવસમાં 4 જેટલા કેસ નોંધાય ચૂક્યા છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલી હોસ્પિટલોમાં છેલ્લા 3 દિવસમાં 4 કેસ H3N2ના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી એક દર્દી એલ.જી.હોસ્પિટલ અને અન્ય એક દર્દી શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વધતા જતા કેસને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMCની તમામ હોસ્પિટલોમાં આઇસોલ્યુશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, AMCના મેડિકલ અધિકારીઓ હવે લોકોના ઘરે ઘરે જઈ રેપિડ ટેસ્ટ શરૂ કરશે. ટેસ્ટ દરિમયાન શંકાસ્પદ લક્ષણો જણાશે તો તે વ્યક્તિની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 7 સંજીવની રથ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. જેની અંદર ટેસ્ટિંગથી લઈને તમામ સારવારની સુવિધાઓ ઉપલબ્ધ હશે, જ્યારે હાલમાં એલ.જી. હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલ ખાતે H3N2ના ટેસ્ટ નિ:શુલ્ક કરવામાં આવી રહ્યા છે. H3N2ના લક્ષણોની વાત કરવામાં આવે તો, આ કેસ ધરાવતા દર્દીઓને 5 દિવસ સતત તાવ અને ગળામાં કફ પણ રહેશે, ત્યારે આવા લક્ષણો ધરાવતા વ્યક્તિએ સાવચેત રહી તાત્કાલિક સારવાર કરાવે તેવો તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.