/connect-gujarat/media/post_banners/561d2d6abd8bc9fc603a4a84d2a7c2cc30290d234b931c50cf696f323176b551.jpg)
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પુરુષને છરી બતાવીને લૂંટવાના બનાવો સામે આવી રહ્યા હતા. આ સમગ્ર બનાવવાની તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક મહત્વની સફળતા મળી છે. જેમાં તેમણે આરોપીઓને ઝડપી લીધા છે, જે આરોપીઓ માત્ર પુરુષોને જ રાત્રિના સમયે છરી બતાવીને લૂંટી લેતા હતા.
અમદાવાદ પોલીસની ગિરફ્તમાં રહેલા આરોપીઓ શિવસિંગ ઉર્ફે આશુ સિકરવાર, દિલીપ ઉર્ફે ભૂરો રાજપૂત અને રાજારામ ઉર્ફે સોનુ યાદવ છે. આ તમામ આરોપીઓ ખાસ મિત્રો છે. આ આરોપીઓ ખાસ અમદાવાદ શહેરના નિકોલ, નરોડા, રામોલ જેવા પૂર્વ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા. તેઓ સાંજે કે, રાત્રે ટહેલવા નીકળતા માત્ર પુરુષોને જ ટાર્ગેટ કરતા હતા. જે પણ એકલ દોકલ પુરુષ નીકળે, ત્યારે છરો બતાવીને સોનાની ચેઇન લૂંટી લેતા હતા. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ ત્રણેય આરોપીની ધરપકડ કરીને 8 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. એટલું જ નહીં, આરોપીઓ પાસેથી સોનાની ચેઇન, વાહન અને મોબાઈલ સહિત રૂ. 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પુરુષો વધુ વજનવાળી ચેઇન પહેરતા હોય છે, એટલે ખાસ તેઓ પુરુષોને જ ટાર્ગેટ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.