અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સોશિયલ મીડિયાના મધ્યમથી ઘાતક હથિયાર વહેંચતા 3 શખ્સોને સરખેજ નજીકથી ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 3 હથિયાર અને 16 જેટલા જીવતા કારતૂસ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સરખેજ વિસ્તારમાં કેટલાક શખ્સો હથિયાર વેચવા માટે આવવાના હોવાની ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી, ત્યારે પોલીસે 3 હથિયાર અને 16 જીવતા કારતૂસ સાથે મૂળ જામનગરના લતીફ સમા, નાસીર ખફી અને ઈરફાન શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ સોશિયલ મીડિયા મારફતે ગ્રાહકો શોધી હથિયાર વહેંચવા માટે આવ્યા છે. એટલું જ નહીં આ આરોપીઓ મધ્યપ્રદેશથી 15 હજારમાં એક હથિયાર લાવી 35 હજારમાં વેચવાના હોવાનું પણ પોલીસને જણાવ્યુ હતું, ત્યારે હાલ તો આ આરોપીઓ અમદાવાદમાં કોને આ હથિયાર આપવાના હતા કે, અન્ય કોઈ ઉપયોગમાં લેવાના હતા, તે બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.