અમદાવાદના ભરચક કહેવાય તેવા સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરાઓ દ્વારા જાહેર રસ્તા વચ્ચે ચાલુ ગાડીએ બેફામ ફટાકડા ફોડ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં નવ નબીરાની ધરપકડ કરીને તેમને પાઠ ભણાવ્યો હતો
અમદાવાદના સિંધુ ભવન રોડની શરૂઆતથી તાજ હોટલ સુધીના રસ્તા પર અનેક વાહનો પસાર થતા હોય છે. ત્યારે આ જ રોડ પર દિવાળીની રાત્રે બનેલો બનાવ અમદાવાદીઓએ ક્યારે ન જોયો હોય તેવો જાહેર રસ્તા પર જોવા મળ્યો હતો. કેટલાક યુવકોએ ફટાકડા ફોડી સમગ્ર સિંધુ ભવન રોડ બાનમાં લીધો હતો. સોશિયલ મીડિયામાં ફેમસ થવા તથા પોતાનો દબદબો બનાવવા યુવકો કાળા કલરની સ્કોર્પિયો કારમાં બેસીને ચાલુ ગાડીએ બારીમાંથી ઉભાર રહીને ફટાકડા ફોડ્યા હતા. અન્ય વાહન ચાલકોને મુશ્કેલી થાય તે રીતે આ યુવકો બેફામ ગાડી ચલાવીને ફટાકડા ફોડી રહ્યા હતા. ઉપરાંત ગાડીના બોનેટ પર બેસીને હાથમાં રાખીને ફટાકડા ફોડ્યા હતા.આ અંગેના વિડીયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા જેના પગલે અમદાવાદ ઝોન 7ના ડીસીપી ભગીરથસિંહ જાડેજાએ તાત્કાલિક નબીરાઓને શોધવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા જેમાં પોલીસે સેટેલાઇટ વિસ્તારમાં સ્પા ચલાવતા હર્ષદ ગરાંતિયા, હિતેશ ઠાકોર સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે આ તમામ લોકોએ અન્ય જીવને જોખમમાં મૂકે તે રીતે ફટાકડા ફોડી રહ્યા હતા અને પોતાના વાહન પર બેસીને લોકોને પરેશાન કરી રહ્યા હતા. તમામ આરોપીઓને જગ્યાએ ફટાકડા ફોડ્યા હતા તે જગ્યા પર લાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા ઉઠક બેઠક કરાવવામાં આવી હતી