અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં જૂના સ્વામિનારાયણ વાસમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવના ડાભીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ ગુરુવારે સાંજે ભાવનાબેન અને તેમના પતિ ભદ્રેશભાઈ ઘરમાં હાજર હતા. આ દરમિયાન ભદ્રેશભાઈ મકાનના અંદરના બેડરૂમમાં સુતા હતા, જ્યારે ભાવનાબેને ડ્રોઈંગ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
ભાવનાબેન ડાભી 2016માં એલઆરડી તરીકે ભરતી થયા હતા, જ્યારે હાલમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. દોઢ વર્ષ પહેલા જ ભાવનાબેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ ડાભી સાથે થયા હતા. દોઢ વર્ષના લગ્ન જીવન દરમિયાન બંને પતિ-પત્ની વચ્ચે નાની મોટી બાબત ઘરકંકાસ ચાલતો હતો. તેનાથી કંટાળીને ભાવનાબેને આત્મહત્યા કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે, પરંતુ પોલીસને આપઘાતને લઈને કોઈ અંતિમ ચિઠ્ઠી મળી આવી નથી. 5 દિવસ પહેલા જ આ પતિ-પત્ની 5 દિવસથી રજા પર હતા, અને ત્યારબાદ ગુરુવારે જ નોકરી પર હાજર થયા હતા.
નોકરીથી પરત આવીને ભાવનાબેને આપઘાત કર્યો હતો. જેથી રાણીપ પોલીસે આ બંને પતિ-પત્ની વચ્ચે ક્યાં કારણોસર કંકાસ ચાલી રહ્યો હતો. તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલ આપઘાત કેસમાં રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધીને તેમના પતિ ભદ્રેશ ડાભીનું નિવેદન લઈને આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.