/connect-gujarat/media/post_banners/8123a3a9f02b6ca5d4f79fd756a2060b2c80a93b34c212bc4c6cd7650dd29f26.jpg)
રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના એસજી હાઇવે વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિકના કારણે જનતાને હેરાન પરેશાન થવું પડે છે, ત્યારે મુશ્કેલીમાંથી છુટકારો આપવા માટે આ વિસ્તારમાં 10થી વધુ નવા ફ્લાયઓવર નિર્માણ પામ્યા છે. પણ જેની સામે હવે એક નવી સમસ્યા સામે આવી છે. ફ્લાયઓવર બ્રીજ પર બેફામ વાહન હંકારતા વાહન ચાલકોના કારણે અનેક વખત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં તો લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ બ્રિજ પર શહેર ટ્રાફિક પોલીસ અને NAHI દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. જે વાહન ચાલકો ઉપર નજર રાખશે અને તેની ગતિની મર્યાદા પણ આ કેમેરા કેદ કરશે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યુ હતું કે, શહેરમાં જે બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. તે લોકોની સુખાકારી અને સલામતી માટે છે. પણ અનેક લોકો બેફામ ગતિએ વાહનો ચલાવે છે, જેના કારણે અનેક વખત અકસ્માતના બનાવ બન્યા છે. જેને રોકવા માટે શહેર ટ્રાફિક પોલીસ તમામ પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે એસ.જી. હાઈવેના તમામ બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. પ્રારંભિક તબક્કામાં NAHI પોતાની રીતે સંચાલન કરશે, ત્યારબાદ સમગ્ર પ્રોજેક્ટ અમદાવાદ ટ્રાફિક પોલીસને સોંપવામાં આવશે. હવે આવનારા દિવસોમાં આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય છે કે, નહીં તે જોવું રહ્યું.