/connect-gujarat/media/post_banners/99fddb8bd32504e9a7c220f1c466f10840dafb38ae4e6a99e61576dfaac59f1f.jpg)
જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલા આતંકી હુમલા બાદ દેશના મહત્વના સ્થળોએ આતંકવાદી હુમલાની દહેશતના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં અગાઉ આતંકી હુમલા થઈ ચૂક્યાં છે. ગુજરાત પણ સંવેદનશીલ રાજ્ય છે. જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આતંકવાદી હુમલાની આશંકાના આધારે શહેરમાં આવેલા વિવિધ શોપિંગ મોલની સુરક્ષા માટે વેપારીઓને ખાસ તકેદારી રાખવા સૂચન કરાયું છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા શહેરના શોપિંગ મોલની સુરક્ષાને લઈને ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્ચો છે કે, ભૂતકાળમાં વિશ્વના અનેક દેશોમાં આતંકવાદી હુમલા થઈ ચૂક્યા છે. જેને ભવિષ્યમાં પણ નકારી શકાય તેમ નથી. જેથી અમદાવાદના શોપિંગ મોલની સુરક્ષાની તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત પોલીસને પણ હાઈ રીઝોલ્યુશન કેમેરાથી લઈને તમામ વાહનોનું ચેકિંગ કરવા માટેની પણ સૂચના અપાઈ છે. આ સાથે જ શોપિંગ મોલમાં આવનાર દરેક લોકોનું ચેકિંગ કરવું, વાહનોની નીચે મિરરથી તપાસ કરવી, કોઈ એક્સપ્લોઝીવ, હથિયારનું ચેકિંગ કરવું, મેટલ ડિટેક્ટર અને અન્ય ઇક્યુપમેન્ટનો ઉપયોગ કરવો, મહિલાના ચેકિંગ માટે પણ અલગ વ્યવસ્થા કરવી અને મોલના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાઈટ વિઝન સાથેના CCTV કેમેરા રાખવા ખાસ સૂચન કરાયું છે.