/connect-gujarat/media/post_banners/e53e479cc8e2369a25334cde91fc448ce2465e9410f9fa48a95fee0bf6cfc267.jpg)
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં આવી ગયું છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને વધુ એક વચન આપ્યું છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ બેઠક દરમ્યાન ગુજરાત ઓબ્ઝર્વર અશોક ગેહલોતે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા પર જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત સ્વાસ્થ્ય અને સરકારી કર્મીઓ માટે તેમજ કૃષિક્ષેત્રે રાજસ્થાન મોડલ અપનાવાની તૈયારી દર્શાવી હતી.
ગુજરાતમાં વિધાનસભા-2022ની ચૂંટણીને લઇને ગુજરાત ઓબ્ઝર્વર અશોક ગેહલોત અને કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ દ્વારા અમદાવાદ કોંગ્રેસ ખાતે બેઠક યોજાય હતી. જેમાં અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, 'રાજસ્થાન જેવું જ આરોગ્યનું મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. તેમજ જૂની પેન્શન યોજના લાગુ કરવાનું પણ કોંગ્રેસે વચન આપ્યું છે. જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના લાગુ કરીશું તેવું વચન પણ આપ્યું છે. આ સિવાય અલગ-અલગ અંગોના ટ્રાન્સપ્લાન્ટ વિનામૂલ્યે થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરીશું. આરોગ્ય માટે વીમા કંપનીનું પ્રિમિયમ સરકાર ભરશે. ખેડૂતોને દિવસે વીજળી અપાશે. ગ્રામીણ વિસ્તારમાં સરકારી અંગ્રેજી શાળાઓ શરૂ કરાશે.
વધુમાં અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, 'ગુજરાતની જનતા જે ઈચ્છે તે કોંગ્રેસનો મેનિફેસ્ટો છે, અમે ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતર્યા છીએ. ગુજરાત કરતા રાજસ્થાનના રસ્તાઓ સારા છે. અમારા મેનિફેસ્ટો મુજબ રાજસ્થાનમાં કામ થઇ રહ્યું છે. રાજસ્થાનમાં સ્વાસ્થ્યની શાનદાર યોજનાઓ છે. જે દેશભરમાં લાગુ કરી શકાય તેવી યોજના છે. રાજસ્થાનમાં અમીર-ગરીબ તમામ માટેની આ યોજના છે, અને તમામને વીમો, સીટીસ્કેન, દવાઓ ફ્રી આપવામાં આવે છે. જોકે, કોંગ્રેસ માટે ગુજરાત મહત્વનું રહ્યું છે. વર્ષ 2004 બાદ નિયુક્ત કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ અપાશે. કોંગ્રેસ આવશે તો અલગ કૃષિ બજેટ હશે. કૃષિ વીજ કનેક્શન પર પ્રતિ મહિને 1 હજારની સબસિડી અપાશે. પશુપાલકોને દૂધના પ્રતિ લિટરે રૂ. 5ની સબસિડી અપાશે. તેવા અનેક વચનો કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતાને કરવામાં આવ્યા હતા.