74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ શાહીબાગ સ્થિત પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના શાહીબાગ સ્થિત પોલીસ હેડ કવાર્ટર ખાતે 74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પરેડને નિહાળી હતી. જેમાં 10 જેટલા પ્લાટુન દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં ઘોડે સવાર તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા પણ વિશેષ ભાગ લેવામાં આવ્યો હતો. આ સાથે જ ટ્રાફિકના જવાનો દ્વારા પણ પરેડ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને આરોગ્ય મંત્રીના હસ્તે મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન અમદાવાદ પોલીસ કમિશનર, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ તમામ ડિવિઝનના પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.