અમદાવાદ : વિધાનસભા કબજે કરવા કોંગ્રેસનું કેન્દ્રીય મોવડી મંડળ નાખશે ગુજરાતમાં ધામા, કોંગ્રેસ દ્વારા યોજાશે સંકલ્પ યાત્રા...

રાજકીય માહોલ વચ્ચે કોંગ્રેસ દ્વારા યોજાશે સંકલ્પ યાત્રા, 31મી ઓક્ટોબરથી સંકલ્પ યાત્રા થકી પ્રચાર શરૂ કરાશે

New Update
અમદાવાદ : વિધાનસભા કબજે કરવા કોંગ્રેસનું કેન્દ્રીય મોવડી મંડળ નાખશે ગુજરાતમાં ધામા, કોંગ્રેસ દ્વારા યોજાશે સંકલ્પ યાત્રા...

ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધા છે. ત્રણેય રાજકીય પાર્ટી ચૂંટણીમાં વિજય મેળવવા કમર કસી રહી છે. તો બીજી તરફ રાજકીય માહોલ વચ્ચે કોંગ્રેસ દ્વારા તા. 31મી ઓક્ટોબરથી સંકલ્પ યાત્રા થકી પ્રચાર શરૂ કરવામાં આવશે તેની માહિતી આપવા અમદાવાદ ખાતે કોંગ્રેસે બેઠક યોજી હતી.

ગુજરાત રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે, ત્યારે વિધાનસભા કબજે કરવા માટે કોંગ્રેસનું કેન્દ્રીય મોવડી મંડળની ટીમ ગુજરાતમાં ધામા નાખશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબરથી સરદાર પટેલની જન્મજયંતીના દિવસથી ગુજરાતના 5 ઝોનમાં કોંગ્રેસ પરિવર્તન યાત્રા ફરશે. જેની માહિતી આપવા માટે અમદાવાદ ખાતે કોંગ્રેસે બેઠક યોજી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ 5 ઝોનમાં પરિવર્તન યાત્રાને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રસ્થાન કરાવાશે. ગુજરાતના 5 ઝોનમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અશોક ગેહલોત પાલનપુરના વડગામથી, સચિન પાયલટ ફાગવેલથી મધ્ય ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરશે.

આ સાથે જ દિગ્વિજય સિંહ ભુજથી સૌરાષ્ટ્રની પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવશે, જ્યારે પવન ખેરા જબુસરથી દક્ષિણ ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની 5 પરિવર્તન સંકલ્પ યાત્રા ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકમાં ફરશે. આ પરિવર્તન સંકલ્પ યાત્રામાં કોંગ્રેસના કેન્દ્રના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. તો 4 કરોડ મતદાતા સીધો કે, આડકતરી રીતે સંપર્ક કરવામાં આવશે. 450 જેટલી જનસભા પણ કરવામાં આવે તો નગરપાલિકા અને મહાનગરોમાં 95 જેટલી રેલી કરવામાં આવશે. આમ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યની તમામ વિધાનસભા સીટને કવર કરવા અને રાજ્યના મતદાતાઓ સાથે સીધો સંપર્ક કરવા મોટું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ. કોંગ્રેસની આ સંકલ્પ યાત્રામાં મોંઘવારી મુખ્ય મુદ્દો રહેશે તેવું પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.

Latest Stories