અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતા વ્યક્તિની પાવડા વડે હત્યા કરી અજાણ્યો વ્યક્તિ ફરાર થઇ ગયો હતો.આ મામલામાં પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતા વ્યક્તિની પાવડા વડે અજાણ્યા વ્યક્તિ હત્યા કરીને ફરાર થઇ ગયો છે. હત્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેના આધારે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલી રહી હતી. ત્યારે ઝોન-1 LCBએ હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને પાણી નહીં આપતા હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.પિઝા શોપમાં કામ કરીને રહેતા રામરતન મુખીયા નામના આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે મૃતક લાલા સંગાડાને પાણી અંગે પૂછ્યું હતું ત્યારે લાલા સંગાડા ખાટલામાં સુતા સુતા જ રામ રત્નને ગાળ આપી હતી જેથી ગુસ્સામાં જ રામરતને પાવડાના ઘા મારી હત્યા કરી દીધી હતી. મૃતક 10 દિવસ અગાઉથી જ કામ માટે આવ્યો હતો. જ્યારે આરોપી પણ 9 દિવસથી કામ માટે નેપાળથી અમદાવાદ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી મૂળ નેપાળનો વતની છે અને અમદાવાદ શહેરમાં એક પિઝા શોપમાં નોકરી કરતો હતો. રાત્રિના સમયે વસ્ત્રાપુર તળાવમાં ચોકીદારી કરતા વ્યક્તિની પાણી જેવા નજીવી બાબતે હત્યા કરી હતી. શરૂઆતમાં મૃતકના પરિવારજનોએ સીસીટીવી ફૂટેજ જોયા ત્યારે આરોપી તેમનો પરિચિત હોવાનું પોલીસને જણાવ્યું હતું. પરંતુ ઝોન-1 એલસીબી સ્કોવડ સમગ્ર કેસની ઝીણવટપૂર્વક તપાસ કરતા સામે આવ્યું હતું કે આરોપી મૃતકના કોઈ પરિચયમાં નથી.