Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નિર્માણ સ્કૂલની CBSE માન્યતા રદ્દ કરવા માંગ, NSUIએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી માથે લીધી

અમદાવાદ શહેરના બહુમાળી ભવનમાં આવેલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

X

અમદાવાદ શહેરના બહુમાળી ભવનમાં આવેલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પાલડી ખાતે આવેલ નિર્માણ સ્કૂલને ખોટી રીતે CBSE બોર્ડની મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે NSUIના કાર્યકરોએ શાળાની માન્યતા રદ્દ કરવા માંગ કરી છે.

અમદાવાદ શહેરના પાલડીમાં આવેલ નિર્માણ સ્કૂલને ખોટી રીતે CBSE બોર્ડની મંજૂરી આપવામાં આવી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અધિકારી ઉપર નકલી નોટો ઊછળી વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ નોંધાવનાર NSUIના નેતા સુધીર રાવલે જણાવ્યું હતું કે, બી.આર. શાહ ટ્રસ્ટના નેજા હેઠળ આ મંજૂરી લેવામાં આવી છે. રાજ્ય સરકારના નિયમ મુજબ જો કોઈ શાળાએ CBSE બોર્ડ શરૂ કરવું હોય તો ફરજિયાત એક વર્ષ જે તે રાજ્યની ભાષામાં શિક્ષણ આપ્યા હોવાનું ઓછામાં ઓછા એક વર્ષનું સર્ટિફિકેટ હોવું જોઈએ. પરંતુ જિલ્લા શિક્ષણાધિકારી પાસે આવું કોઈ સર્ટિફિકેટ જમા કરાવવામાં આવ્યું નથી. છતાં નિર્માણ સ્કૂલને CBSE માટેની મંજૂરી આપી દેવામાં આવી છે, જેના વિરોધમાં NSUIના કાર્યકરોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને માથે લીધી હતી.

આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, આ સ્કૂલની માન્યતા 24 વર્ષ પહેલા અપાય છે. આ બાબતે તપાસ કરાતા શાળાને રાજ્ય સરકારમાંથી મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તે પણ કરવામાં આવશે. NSUIના કાર્યકરો દ્વારા બંધારણીય રીતે વિરોધ કરવો જોઈએ. જે વિરોધ કરવામાં આવ્યો છે તે ખોટી રીતે કરવામાં આવ્યો છે. NSUIના કાર્યકરોએ જે નકલી નોટો ઉછાળી છે તે બાબતે સરકારમાંથી કહેવામાં આવશે તો ફરિયાદ પણ કરવામાં આવશે. જોકે, પોલીસ દ્વારા આ મામલે 7થી 8 લોકોની અટકાયત કરવામાં આવી છે.

Next Story