વિધાનસભા ચૂંટણી પહેલા અલગ અલગ સમાજ પોતાની માંગણી સરકાર સામે રાખી રહ્યા છે, ત્યારે અમદાવાદ ખાતે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાના પ્રમુખોની બેઠક મળી હતી. જેમાં વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પ્રમુખ-મંત્રી અને ટ્રસ્ટીઓએ બંધ બારણે બેઠક યોજી હતી.
અમદાવાદ ખાતે મળેલી પાટીદાર સમાજની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે તેમજ બિન અનામત આયોગ અને નિગમમાં પડતર પ્રશ્નોના નિકાલ અંગે પણ ચર્ચા કરાય હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં મુખ્યત્વે PSI ભરતીમાં ભરતી બોર્ડ દ્વારા જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જે સીધી રીતે બિનઅનામત વર્ગના ઉમેદવારોને અન્યાય થયો છે. આ સાથે જ પ્રેમલગ્નના કિસ્સામાં માતા-પિતાની સાક્ષી તરીકે સહી ફરજિયાત બનાવવામાં આવે, જેથી માતા-પિતા કે, દીકરા-દીકરીઓને પરેશાન થવાનો વારો ન આવે સહિતના વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.