રાજયભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે પણ હવે કોરોનાનો પહેલાં જેવો ડર લોકોને રહયો નથી. આ બધાની વચ્ચે કોવીડ ટાસ્ક ફોર્સની ટીમે લોકોને એક ચેતવણી આપતા કહયું છે કે, કોરોનાને સામાન્ય ફલુ સમજવાની ભુલ કરવી જોઇએ નહી.
અમદાવાદમાં મંગળવારે કોરોનાના રેકોર્ડબ્રેક કેસો નોંધાવાની સાથે ત્રણ કોરોના સંક્રમિત દર્દીના મોત થઇ ચુકયાં છે. કોરોનાની ત્રીજી લહેર પહેલી બે લહેરોની જેમ ઘાતક સાબિત ન થાય તે માટે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ટાસ્કફોર્સના તબીબો, AMC કમિશનર, કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠક બાદ પત્રકાર પરિષદમાં કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.સુધીર શાહે જણાવ્યું હતું કે, આપણે ત્રીજી લહેરમાં પ્રવેશ કરી લીધો છે. લોકોએ કોરોનાને સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ ન કરવી ન જોઇએ. દેશમાં હાલ 68 ટકા કેસ ઓમિક્રોન વેરીયન્ટના છે. આ વેરિયન્ટ જેણે વેક્સિન લીધી હોય તેને પણ સંક્રમિત કરી શકે છે. વધુમાં તબીબોએ જણાવ્યું હતું કે, ઓમિક્રોન પર અસર કરતી દવા ખાસ ઉપલબ્ધ નથી. વેક્સિનેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ આપણને સંક્રમિત થતાં બચાવી શકશે. ઓમિક્રોન વેરિએન્ટમાં પણ દર્દીના શરીરને નુકસાન કરવાની ક્ષમતા હોય છે. નાક અને ગળાના ભાગમાં જ ઇન્ફેક્શન ફેલાય છે. બે દિવસના તાવ બાદ દર્દી રિકવર થઇ જાય છે. આવી સ્થિતિમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની ખાસ જરૂર નથી.