/connect-gujarat/media/post_banners/1ed314bdb74605cc5f8bf8c25dc49fbcf380eee11e2c5c995c1ef21724799947.webp)
અમદાવાદ શહેરમાં ચા માટે ઉપયોગ થતા પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે શાહીબાગમાં વહેલી સવારે એએમસી ટીમનું ચેકિંગ દરમિયાન એક શખ્સ પ્રતિબંધ પ્લાસ્ટિક અને પેપર કપ લઇ પસાર થઇ રહ્યો હતો. આ મામલે એએમસી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પેપર કપ વેચાણ કરતા શખ્સ સામે FIR નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલી ઘટના છે કે જેમાં પ્લાસ્ટિક-પેપર કપ નું વેચાણ કરતા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.મધ્ય ઝોન શાહીબાગ વોર્ડના પબ્લિક હેલ્થ સુપરવાઇઝર મિતેષભાઈ પટેલનો રાઉન્ડ દરમ્યાન સવારે નમસ્કાર સર્કલ પાસે ધર્મેન્દ્રભાઇ માળી નામના શખ્સ પાસેથી પ્રતિબંધિત પેપર કપ મળી આવ્યા હતા. તેઓ પાસેથી આ પ્રતિબંધિત પ્લાસ્ટિક પેપર કપ જપ્ત કરી નિયમ મુજબ વહીવટી ચાર્જ ભરવા જણાવ્યું હતું. તેમજ અન્ય સ્ટાફ વિપુલભાઈ વણકર અને મહેન્દ્રભાઈ બારૈયા ને બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન શખસે જાહેરમાં મોટી મોટી બૂમો પાડી 15થી 17 લોકોને એકત્ર કરી વહીવટી ચાર્જ ભરવાની ના કહી અધિકારીઓને દબાવવા અને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તેને માધુપુરા મસ્ટર સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં 10થી 15 લોકોને બોલાવી માધુપુરા ઓફિસમાં હાજર સ્ટાફને ડરાવવાનો પ્રયત્ન કરી સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. તેથી એએમસી દ્વારા ધર્મેન્દ્રભાઈ અમરતભાઈ માળી વિરુદ્ધ માધુપુરા પોલીસ સ્ટેશનમાં સરકારી કામમાં રુકાવટ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.