અમેરિકાની ચકાચોંધ અને અઢળક રૂપિયો કમાવાની લ્હાયમાં અનેક ગુજરાતીઓ અમેરિકા જવા માટે અવનવા પેંતરા અજમાવતાં હોય છે. ભારતથી કેનેડા અને કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવા જતાં કાતિલ ઠંડીમાં ઠુઠવાય જતાં પટેલ પરિવારના ચાર સભ્યોના મોત થયાં છે...
અમેરિકામાં ભલે કોરોનાએ હાહાકાર મચાવ્યો હોય પણ અમેરિકા જઇ અઢળક ડોલર કમાવાની ઇચ્છાને ગુજરાતીઓ રોકી શકતાં નથી. અમેરિકા જવા માંગતા લોકો પાસેથી એજન્ટો કરોડો રૂપિયા ખંખેરી લેતાં હોય છે. મહેસાણા તથા આસપાસના ગામોમાંથી 11 જેટલા ગુજરાતીઓને અમેરિકાનો મોહ જાગ્યો હતો. અમેરિકા જવા માટે તેમણે વાયા કેનેડાનો રસ્તો અપનાવ્યો હતો. માઇનસ 35 ડીગ્રી તાપમાનમાં ગાત્રો થીજવી દેતી ઠંડીમાં કલોલનો પટેલ પરિવાર પહેલાં તો 11 કલાક સુધી બરફમાં ચાલતો રહયો અને અમેરિકાની સરહદથી 10 મીટરના અંતરે જ પતિ -પત્ની અને તેમના બે સંતાનો ઠંડી સામેનો જંગ હારી ગયા અને ઠુઠવાયને મોતને ભેટયાં..
19મી જાન્યુઆરીએ બરફ હટાવવા માટે ટ્રક આવી ત્યારે ચારેયના મૃતદેહ મળી આવ્યાં અને અમેરિકામાં થતી ઘુસણખોરીનો દર્દનાક કિસ્સો સામે આવ્યો... કેનેડા પાસે મોતને ભેટેલાઓ ગાંધીનગર જિલ્લાના કલોલના જગદીશ પટેલ તેમની પત્ની અને બે સંતાનો હોવાની વિગતો સામે આવી છે.
કેનેડાથી અમેરિકામાં ઘુસણખોરી કરાવનારા ફલોરીડાના એજન્ટ સહિત આઠ લોકોની સ્થાનિક પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહયું છે. બીજી તરફ તપાસમાં જોતરાયેલી ભારતીય એજન્સીઓને તેજસ પટેલ, અલકા પટેલ અને દિવ્ય પટેલના વિઝાની નકલો પ્રાપ્ત થઇ છે. આ ત્રણેય લોકો કેનેડા ગયા બાદ લાપત્તા બન્યાં હોવાનું સામે આવ્યું છે. આ લોકો પણ કેનેડાથી અમેરિકા ઘુસણખોરી કરી રહયાં હોવાનું અનુમાન છે.
હવે ઘુસણખોરીનો આખો ખેલ કેવી રીતે ચાલે છે તે સમજીએ... મહેસાણા તથા ચરોતરમાંથી હજારો લોકો અમેરિકામાં જઇ વૈભવી જીવન જીવવા માંગતા હોય છે. અમેરિકાના વિઝા ન મળે તો પણ તેઓ અવનવા કિમિયા અજમાવતાં હોય છે. ખાસ કરીને એજન્ટો કરોડો રૂપિયા લઇ આવા લોકોને મેકસિકો, ઇકવાડોર કે કેનેડાથી અમેરિકાની સરહદ પાર કરાવી આપે છે. હાલમાં કેનેડા અને અમેરિકામાં વિપુલ પ્રમાણમાં બરફ વર્ષા થઇ રહી છે અને સરહદની આસપાસ બરફ જ બરફ હોવાથી ઘુસણખોરો આ તકનો લાભ ઉઠાવી અમેરિકામાં પ્રવેશી જતાં હોય છે. પટેલ પરિવારના ચાર સભ્યોએ પણ આમ કરવામાં જ જીવ ગુમાવી દીધો છે. એક અંદાજ મુજબ એજન્ટો રોજના 50થી વધારે ગુજરાતીઓને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડી રહયાં છે.
ગુજરાતી પરિવારોના મોત તથા લાપત્તા થવાની ઘટનામાં ક્રાઇમ બ્રાંચની ટીમ પણ એકશનમાં આવી છે. એક સંદિગ્ઢ એજન્ટને ત્યાં છાપો મારી તેનું લેપટોપ કબજે લેવામાં આવ્યું છે. આ લેપટોપમાંથી કેનેડા ગયેલાં 11 ગુજરાતીઓની વિગતો મળી આવી હોવાનું સુત્રો તરફથી જાણવા મળી રહયું છે અને આ એજ લોકો છે જેમાંથી ચારના મોત થઇ ચુકયાં છે અને સાત હજી લાપત્તા છે. ક્રાઇમ બ્રાંચ નેશનલ એજન્સીઓનો સંપર્ક કરી વધુ વિગતો મેળવી રહી છે. આગામી દિવસોમાં અમેરિકા મોકલવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થાય તો નવાઇ નહી....