અમદાવાદ શહેર પોલીસનું“એક નયી સોચ” અભિયાન
નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો
શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ
ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે
સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી
અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા“એક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે“એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.
વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પર“આઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલી”ના સૂત્રો લખેલા સ્ટિકર લગાવી“એક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કે, અકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છે, જ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફ, ટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કે, નાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બને, કાયદાનું પાલન કરે તથા સલામત, સુરક્ષિત, સાવધાન અને સતર્ક બને તે માટે“એક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયા, શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.