-
ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા અનોખી પહેલ
-
36 હજારથી વધુ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું
-
લોકોના સ્ક્રિનિંગ દરમ્યાન કેન્સરના 55 કેસ સામે આવ્યા
-
મહિલાઓને મેમોગ્રાફી-ગર્ભાશયના કેન્સરની મફત તપાસ
-
ઝુંબેશનો લાભ સમગ્ર રાજ્યના નાગરિકોને લેવા અપીલ
નિદાન જેટલું વહેલું બચવું એટલું સહેલુંના ધ્યેયમંત્ર સાથે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે 36 હજારથી વધુ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે, આ સ્ક્રિનિંગ દરમિયાન કેન્સરના 55 કેસ સામે આવ્યા છે. ચાલો, જાણીએ કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટની આ અનોખી પહેલ વિશે...
કેન્સરનું જો પ્રારંભિક તબક્કે જ જો નિદાન થાય તો દર્દીની બચવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. આ હકીકતને ધ્યાને રાખી અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે કેન્સર સ્ક્રીનીંગ માટે 2021થી ઓપીડીનો આરંભ કર્યો હતો. આ પહેલ હેઠળ આજદિન સુધી 36 હજારથી વધુ દર્દીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપે કેન્સરના 55 જેટલા દર્દીઓનું વહેલું નિદાન થઈ શક્યું છે. મોઢા, સ્તન અને ગર્ભાશયના કેન્સરને સમયસર શોધી કાઢવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ ઝુંબેશમાં મહત્વપૂર્ણ વાત એ છે કે, આ ટેસ્ટિંગ માટે કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી અને તેની સેવાઓ સંપૂર્ણપણે મફત છે.
જોકે, આ સ્ક્રિનિંગ હેઠળ 40 વર્ષથી વધુ વય ધરાવતી મહિલાઓને મેમોગ્રાફી અને ગર્ભાશયના કેન્સરની તપાસ જેવી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ખાનગી ક્લિનિકમાં આનો ખર્ચ 5થી 6 હજાર રૂપિયા થાય છે. આ ઉપરાંત OPDમાં મહિલાઓને સ્વ-તપાસની ટેકનિક પણ શીખવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, GCRIમાં દરરોજ એક હજાર જેટલા કેન્સરના દર્દીઓ આવે છે, અને આ આરોગ્ય સુવિધાનો લાભ મેળવે છે. આ ઝુંબેશનો લાભ સમગ્ર રાજ્યના નાગરિકોને મળે તે માટે GCRI દર વર્ષે 80થી વધુ કેન્સર સ્ક્રીનીંગ અને જાગૃતિ શિબિરનું આયોજન પણ કરે છે. આ શિબિરોમાં 10 હજાર લોકોને રોગની વહેલી તપાસ અને નિવારણ માટેની તાલીમ પણ અપાય છે. આમ, ગુજરાત સરકારની સહાયથી ચાલતી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ કેન્સરના અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.