ગુજરાત રાજ્યમાં રમખાણો મુદ્દે સવાલો ઉઠાવી વિવાદમાં રહેલ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની ગુજરાત ATSએ અટકાયત કરી હતી. ATSએ ક્રાઈમ બ્રાન્ચને સોંપતા તિસ્તા સેતલવાડની ધરપકડ બાદ તિસ્તા સહિત પૂર્વ IPS આર.બી.શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ IPS સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેમાં ગુજરાત રમખાણો અને વિદેશી ફંડિંગ મામલે વિવાદમાં રહેલ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની ગત શનિવારના રોજ મુંબઇ સ્થિત તેમના નિવાસસ્થાનેથી ગુજરાત ATSએ અટકાયત કરી હતી. મોડી રાત્રે તિસ્તાને અમદાવાદ લાવવામાં આવી હતી, અને આજે વહેલી સવારે ATSએ ક્રાઈમ બ્રાન્ચને સોંપતા તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી હતી. તિસ્તા સેતલવાડને મેડિકલ રિપોર્ટ માટે ક્રાઈમ બ્રાન્ચથી વી.એસ. હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ગત તા. 24 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાના કારણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુન્હામાં તિસ્તા સેતલવાડ, પૂર્વ IPS આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટને આરોપી ઠેરવ્યા છે. જેમાં હાલ તિસ્તા સેતલવાડ, આર બી શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી પાલનપુર જેલથી અમદાવાદ લાવવામાં આવશે. આજે આરોપીઓને કોર્ટમાં સમક્ષ રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.