અમદાવાદ શહેરમાં વધુ એક વ્યાજખોરના ત્રાસનો કિસ્સો બન્યો છે. એક વેપારીએ પહેલા પાંચ હજાર વ્યાજે લીધા હતા. પણ બાદમાં વધુ જરૂર પડતા 35 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. માલ ભરાવવા માટે વ્યાજે નાણા લીધા બાદ વેપારીનો ટામેટાનો ધંધો બરાબર ન ચાલતા તે વ્યાજ કે મૂડી ભરી શક્યો નહોતો. જેથી તેઓએ વ્યાજખોર પાસે થોડો સમય માંગ્યો હતો. ટામેટાનો ધંધો બંધ કરી ઉછીના લીધેલા રૂપિયા ચુકવવા માટે યુવકે ભાડે રિક્ષા ચલાવવાનું શરુ કર્યું હતું. વ્યાજખોરે ધમકીઓ આપતા યુવકે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા જીતેન્દ્ર રામલાણી છેલ્લા 2 મહિનાથી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આઠેક મહિના પહેલા તેઓએ ટામેટાની લારી ચલાવી વેપાર કરતા હતા. ટામેટાનો માલ ભરાવવા પૈસાની જરૂર પડતા તેઓએ ઓળખીતા હર્ષ લાલવાણી પાસેથી 5 હજાર વ્યાજે લઈ રોજ 100 રૂપિયા ચૂકવતા હતા. બાદમાં તેઓને વધુ નાણાની જરૂર પડતા 35 હજાર વ્યાજે લઈ રોજના 700 રૂપિયા વ્યાજ 6 માસ સુધી ચૂકવ્યુ હતુ. 2 મહિના પહેલા ધંધામાં મંદી આવતા તેઓ હર્ષને વ્યાજના પૈસા ચૂકવી શક્યા નહોતા. જેથી હર્ષ અવાર નવાર જીતેન્દ્રભાઈ પાસે વ્યાજની ઉઘરાણી કરતા તેઓએ ટામેટાનો ધંધો બંધ કરી ભાડેથી રિક્ષા ફેરવવાનું શરૂ કર્યું હતું. છતાંય પૈસાની બચત ન થતાં તેઓ હર્ષને પૈસા પરત ચૂકવી શક્યા નહોતા. જેથી હર્ષ વારંવાર મૂડી અને વ્યાજની ઉઘરાણી માટે દબાણ કરતો હતો. થોડા દિવસ પહેલા હર્ષ જીતેન્દ્રભાઈના ઘરે આવ્યો હતો, જ્યાં હર્ષે કહ્યું હતું કે, તું વ્યાજ અને મૂડીના પૈસા કેમ આપતો નથી. તેમ પૂછતા જીતેન્દ્રભાઈએ થોડો સમય આપવા માંગ કરી હતી. જેથી હર્ષ લાલવાણી ઉશ્કેરાઈ ગયો હતો, અને ધમકી આપવા લાગ્યો કે, મને મારા પૈસા કઢાવતા આવડે છે. હાલ મારી બહેનના લગ્ન છે, તે પછી તને જોઈ લઈશ, તેવી ધમકી આપી હતી. જેથી કંટાળીને જીતેન્દ્રભાઈએ પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસે આ મામલે હર્ષ લાલવાણી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરીને વેપારી વ્યાજખોરના ત્રાસમાંથી મુક્ત થાય તે પ્રકારે કાર્યવાહી હાથ ધરી છે.